ગુરુવાર, 3 નવેમ્બર, 2011

હરિજન આશ્રમે જમીનો વેચી અને ટ્રસ્ટીઓએ તે ખરીદીને મકાનો બાંધ્યાં

ગાંધી આશ્રમની રાણીપની જમીન પર ગેરકાયદે ૩૦ સોસાયટી !
 


 

ચેરિટી કમિશનરે હુકમ કરી મંજૂરી આપી જ નહીં
 

જમીન વેચાણ કરવામાં ગોટાળા
 

બેઝ પ્રાઇઝ નક્કી કરી છતાં નીચા ભાવે જમીનોના ટુકડા વેચાયા
 

મંજૂરી ન મળી છતાં ૭/ ૧૨ના ઉતારામાં નામ ચઢી ગયાં
 

૪૦ વર્ષનો સમય વિતવા છતાં જમીનો અંગેના વિવાદો યથાવત્

‘ગાંધીજીએ વર્ધાથી તા.૧૦- ૧૨- ૨૯ના રોજ લખેલા એક પત્રમાં લખ્યું હતું કે, સહેજે પાળી શકાય તેવા નિયમોના પાલનમાં પણ શિથિલતા રહે અને તેને નિભાવી લઇએ તો આશ્રમ એક દિવસ પડી ભાંગશે એટલું નહિ પણ તેના કપાળે કાળી ટીલી પણ ચોંટશે જ.’ ગાંધીજીએ આ પત્રમાં વ્યક્ત કરેલી ભવિષ્યવાણી ‘સામાન્ય નિયમોમાં પણ છૂટ અપાય તો કાળી ટીલી ચોંટશે’ તે બાબત કથિત ગાંધીવાદીઓએ અક્ષરશઃ યથર્થ ઠેેરવી છે. કેમ કે તેમણે જ આશ્રમના નિયમોનું પાલન નેવે મુકી દઇ એવાં કૃત્યો આચર્યાં છે કે જેથી આજે પણ વારંવાર વિવાદો ઊભા થાય છે. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની રાણીપની ત્રણ સર્વે નંબરોની જમીનો ગાંધી નિર્વાણનાં ૨૩ વર્ષ બાદ કેવી રીતે વેચી મરાઇ તે તપાસનો વિષય છે. ચોંકાવનારી હકીકત એ છે કે, આ જમીનોના વેચાણ બાદ રેસિડેન્સિયલ અને કોર્મિશયલ બાંધકામ અંગે ચેરિટી કમિશનર અને રેવન્યુ વિભાગે મંજૂરી આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો હતો છતાં રૂપિયા લઇ આ વિશાળ જમીનો પર ૩૦થી વધુ ગેરકાયદે સોસાયટીઓ બંધાઇ ગઇ હોવાની ચર્ચા છે.
હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ ૧૯૭૧માં રાણીપની ૧,૭૨,૨૫૯ ચો. વાર જમીનો વેચી અને તેમાં ગેરકાયદે સોસાયટીઓ બાંધી પોતાનાં પણ મકાનો બાંધી દીધાં! ઉલ્લેખનીય છે કે, ગાંધી નિર્વાણનાં ૨૩ વર્ષમાં જ સાબરમતી આશ્રમ ટ્રસ્ટની કથિત રીતે ર્આિથક હાલત એવી કફોડી બની કે, ટ્રસ્ટીઓએ મોજે રાણીપ સ્થિત ત્રણ જુદા- જુદા સર્વે નંબરોવાળી જમીનો વેચવા કાઢી. ચેરિટી કમિશનરના ૭- ૭- ૭૧ના હુકમ પ્રમાણે ૧૯૭૧માં રાણીપમાં આવેલી સર્વે નં- ૩૬૧, ૩૬૨ અને ૩૬૬વાળી જમીનોને ત્રણ ભાગમાં વહેંચી ચેરિટી કમિશનરમાં જમીનોના પ્લોટ પાડીને વેચવાની મંજૂરીનો હુકમ કરાયો. અલબત્ત, ચેરિટી કમિશનરે વેચાણ માટે શરતો લાદી. જે જમીનો ત્રણ ઝોનમાં વહેંચાઇ, તેમાં ‘એ’ ઝોનમાં ૨૯૧૬૧ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે, ‘બી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો. વાર જમીન રૂ.૧૦ના ભાવે અને ‘સી’ ઝોનમાં ૭૧૫૪૯ ચો.વાર જમીન રૂ.૫ના ભાવે વેચવા હુકમ થયો. પ્લોટ પાડી જમીનો વેચીને જે નાણાં ઊપજે તે માન્ય કરેલી સહકારી બેંક અથવા શિડ્યુલ બેંકમાં જમા કરાવવા અને તેનો ઉપયોગ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા સિવાય કરવો નહિ અને આ હુકમ છ મહિના અમલમાં રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત એવા પણ આક્ષેપો થયા છે કે, ચેરિટી કમિશનરે નક્કી કરેલી બેઝ પ્રાઇઝથી પણ નીચી કિંમતે પ્લોટ વેચાયા હતા.
સૂત્રો કહે છે કે, ચેરિટી કમિશનરના હુકમ બાદ જે સોસાયટીઓ બાંધવામાં આવી તેમાં સાબરમતી આશ્રમના ટ્રસ્ટીઓએ સોસાયટીમાં પ્લોટની જમીનો ખરીદી પોતાના આલીશાન બંગલા બાંધ્યા. રાણીપના સર્વે નંબર ૩૬૧, ૩૬૨ અને ૩૬૬ નંબરવાળી જૂની શરતની જમીનના સાતબારના ઉતારામાં કરેલી નોંધ પ્રમાણે ચેરિટી કમિશનર અને રેવન્યુની નોંધ પ્રમાણે બંધુનગર કો. ઓ. હા. સો. લી અને જીવનધારા કો. ઓ. હા. સો. લી પ્લોટ નંબર ૮ની માગણી નામંજૂર થયેલી છે. ઉપરાંત, ગુજરાત ખાદી પ્રતિષ્ઠાન મંડળી, કસ્તુરબા કોર્મિશયલ સેન્ટર, સમાધાન કો. ઓ. હા. સો. લી., સરસ્વતી એજયુકેશન ટ્રસ્ટની માગણી નામંજૂર થઇ છે. આ તો એ સંસ્થાઓના નામે છે કે જેમની રજૂઆતો કે માગણીઓ સત્તાવાર રીતે નામંજૂર થઇ છે. બીજી તરફ ૩૦ સોસાયટી ગેરકાયદે બંધાઇ ગઇ. સરકારે રિઝર્વ કરેલા ગ્રીન બેલ્ટની જમીનોમાં પણ બે સોસાયટી બંધાઇ ગઇ છે.
હાલમાં પણ રાણીપના ત્રણ સર્વે નંબરોના સાતબારના ઉતારામાં પ્રથમ હક્કમાં હરિજન આશ્રમના નામે જ છે પણ ગેરકાયદે સોસાયટીઓ બંધાઇ ગઇ તે પણ વાસ્તવિકતા છે. રેવન્યુ રેકર્ડ અને સાતબારના ઉતારા કે હક્ક પત્રકો જોઇએ તો આ જમીનો પર બાદમાં જમીનો રેસિડેન્સિયલ સોસાયટી બાંધવા માટે વેચવામાં આવી પણ જેમ- જેમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીઓ બદલાયા તેમ- તેમ આ જમીનો અંગેના વિવાદો યથાવત્ રહ્યા છે.
---------------------------



આશ્રમની જગ્યા પર રેવન્યુ મિનિસ્ટરના જમાઇનો આલીશાન બંગલો !
               હરિજન આશ્રમના ટ્રસ્ટીઓએ ૧૯૭૧માં રાણીપની ૧,૭૨,૨૫૯ ચો. વાર જમીનો વેચી. તેમાં ગેરકાયદે સોસાયટીઓ બાંધી પોતાના પણ બંગલા બાંધ્યા તેવી ચર્ચા વચ્ચે આંખે ઊડીને વળગે એ હકીકત એ છે કે, હાલના મહેસૂલ મંત્રી આનંદી પટેલના જમાઇ જયેશ પટેલ સમાધાન સોસાયટીના જે આલીશાન બંગલામાં રહે છે તે જમીન પણ જે- તે વખતમાં ગાંધીજી સ્થાપિત આશ્રમના નામે જ હતી.!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...